Saturday, June 12, 2021

Taste The Thunder. છગનભાઇ-મગનભાઇને ગમતાગીતો આપણે રેડિયો પર સાંભળીએ,કહેવાતા સમાજની સાથે રહેવા આપણેં બકવાસ સિરીયલો જોઇએ,માટેજ છાપાઓ વાંચીએ,ચેનલો બદલી બદલી મસાલો મનમાં ભરી લઇએ. બસના ડ્રાઇવર ઓલ્ડ હીટ્સ સંભળાવી જાય અને આપણેં ન્યુ હીટ્સ સાથે રહેવા મથીએ. નવી બક્વાસ ફિલ્મો પણ જોવી પડે,નહિ તો આપણેં પાછળ રહી જઇએ, તો આપણે પછાત કહેવાઇએ. આપણું પોતાનું કહી શકાય તેવું આપણાંમાં કેટલું? આ પ્રશ્ન આપણેં આપણીં જાતને પુછવા જેવો છે.મૌલિકતાને બહાર લાવવા નિબંધમાળાના નિબંધો નહી ચાલે ભલેને તે ગમે તેટલા અલંકારીત હોય પણ તે ઉછીના છે. કોઇને ગમે કે ન ગમે પણ આ મારું સર્જન છે તેમ કહેતા પહેલાં ઘણી હિંમત કેળવવી પડે છે. ઉંડે-ઉંડે પણ આ કહેવાતી વ્યવસ્થા બદલવાની ઇચ્છા થતી હોય, કઇંક ખટકતું હોય,ક્યારેક કોઇ અંગત કારણો સિવાય, બીજાની તક્લીફ ને જોઇને એન્ટાસીડ દવાઓ લેવી પડે ત્યારે સમજવું કે આપણેં હજી જીવીએ છીએ. આ કામ કરે કોણ? જવાબ સદીઓથી જાણીએ છીએ અને એ છે- શિક્ષણ. સામાન્ય યુવાનો અને વિદ્યાર્થીઓનો ટેસ્ટ બદલવો પડશે. હાલમાં શિક્ષણ સાથે જોડાયેલાં લોકોની સમજણ અને જ્ઞાનની કક્ષાને ઉપર લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તે સારી બાબત છે. હમણાં બારેક વર્ષ પૂર્વેના એક વિદ્યાર્થીને બસમાં મળવાનું થયુ મને કહે ભાઇ તમને એક ખાસ કારણે યાદ કરું છુ. તમે જે ગઝલો સાંભળતા એનો ચેપ મને પણ લાગ્યો છે. હવે સમજાય છે કે એક-એક શેરમાં કેટલું બધું કહેવાય જાય છે. આવું જાણીને મને આનંદ થયો કે મહેંદી હસન, ગુલામ અલી,જગજીત સિંગના કંઠે ગવાતી નીદાફાઝલી, ગાલિબ,ફરાઝ,ઝૌક વિગેરે ની રચનાઓ સાંભળવી એ પણ કોઇ ખરી પ્રાર્થનાથી ઉતરતું નથી. રહેમાન,લકી અલી,કૈલાશ ખૈર,હરીહરન વિગેરેને સાંભળતાં મન તરબોળ થઇ જાય છે. હરીપ્રસાદની વાંસળી હોય કે બિસ્મિલ્લા ખાનની શહેનાઇ,શિવપ્રસાદનું સંતુર હોય કે પંડિત વિશ્વમોહનનો ગિટાર આ બધું પોતાની જાતમાં ઉંડે ને ઉંડે લઇ જાય છે અને એ ખોવાઇ જવાની મજા છે. રંગ દે બસંતી માં પોતાની જાતને મૂકવાં નું મન થાય,તારેં ઝમીં પર થી સાચો શિક્ષક હલી જાય,વેનસડેના નસરુદ્દીન થી સાચી નિવૃત્તી નો અર્થ સમજાય,અંકૂશના નાના પાટેકરથી સળગી જવાય,ગાંધીના એટેનબરો અને સરદારનાં પરેશ રાવળ ના અભિનય માટે માન થઇ જાય અને ગાંધી,સરદારની વધુ નજીક જવાય. ભાવનગરથી ઢસા તરફ બસમાં આવતાં એક બારમાંમા ભણતાં વિદ્યાર્થી પાસે બેસવાનું થતાં આંબલા પાસેના ગામની નાનકડી કાચની દેરી બતાવી જટા હલકારાની વાત કરી એ વિરને યાદ કરતા છાતી ગજ ગજ ફુલી જાય છે. આગળ અમરગઢથી પસાર થતા રાવજી પટેલ યાદ આવ્યાં વગર કેમ રહે ? અને મન ઉદાસ થઇ જાય. અભ્યાસક્રમમાં ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યાં’ કવિતા છે ,પણ એની અનુભૂતિ કોણ કરાવે? ર. પા. હોય કે મુકુલ ચોકસી,રાજેંદ્ર શુક્લ હોય કે ગિરીજાકુમાર માથુર એમને માણવાં જોઇએ એ કવિતાના કોઇ સવાલો કે જવાબો ન હોય એનાથી તો જીવનભરના સવાલોના જવાબો મળતાં રહે છે. સૌએ સારુ સારુ શોધી કાઢવાની ટેવને વિકસાવતા રહેવાની જ રહે છે અને મહેંદ્રભાઇએ આ કામ ઘણું આસાન કરી આપ્યું છે તેમની અર્ધી સદીની વાંચન યાત્રા દ્વારા.ગાંધીજી,વીનોબાજી,કાકા સાહેબ,ટાગોર,રવિશંકર મહારાજ વિગેરેનાં હ્દય સ્પર્શી પ્રસંગો, લેખો હ્દયને હચમચાવી વલોવી નાંખે છે. સુધામૂર્તિ, આઇ કે વિજળીવળા,હરિશ્ચંદ્રના પ્રસંગો વાંચતા જે હ્દય સ્પર્શ થાય છે અને સાચા માનવ બનવા તરફ બે ડગલાં આગળ જવાય છે તેજ સાચી કેળવણીં. જો આ બધાનો આસ્વાદ વિદ્યાર્થીને થશે તો તેમનામાં અમૃત અને ઝેર વચ્ચેનો વિવેક આવશે. સચ્ચાઇ, સંવેદનશીલતા,પ્રમાણિકતા,હિંમત,મૌલિકતા આવશે તો વ્યવસ્થા આપોઆપ બદલાઇ જશે. કેતન શુક્લ 9429315055

Saturday, January 9, 2010

શિક્ષણમાં શોષણ -કેતન શુક્લ
શિક્ષણની વાત આવે એટલે સારી સારી વાતો જ ચાલે, બાકી શોષણની વાતો સપાટી પર આવે ત્યારે થોડો સમય એ ન્યુઝ બની ,ચમકી થોડીવારમાં બુઝાય જાય, આમ આપણેં ફરી હતા ત્યાંને ત્યાં જ રહીએ. સુંદર શહેરોની નીચે ચાલતી ગટરોની જેમ આ શોષણની ગંદકી મુંગા મોઢે વહ્યા કરે છે. સપાટી ઉપરના જ બીજા એટલા પ્રશ્નો છે કે આ બધુ તો ઉજળુ લાગે. આપણને ચીનની દિવાલની ભવ્યતા ગમે પણ તેની પાછળની હિંસા અને શોષણ નહી,તાજમહલ માટે શાહજહાંને યાદ કરીએ પણ એ બનાવનાર કારીગરોનું કોઇ મૂલ્ય નહી. સાચા અને ખોટા ફુલોની પરખ આપણે ગુમાવતા જઇએ છીએ અથવા જાણીએ તો પણ કશું કરી શકતા નથી, કારણકે આપણે સજ્જન છીએ. આપણે પણ આ સિસ્ટમ રુપી મશીનનો એક ટુકડો છીએ, અને ટુકડે ટુક્ડે ભેગી કરેલી કહેવાતી જીંદગીને એકજ જાટકે બીજા માટે ગુમાવી દેવાની આપણી તૈયારી પણ નથી. માટે બધુ એમ ને એમ ચાલતુ રહે છે.
આજે આપણે જોઇએ છીએ છાશવારે શિક્ષણ અંગેના પ્રશ્નો છાપાઓ કે ટીવીમાં ચમકે છે. કેટલાક સાચા કેટલાક ઘડી કાઢેલા, બધુ જ ચાલે કારણ કે ન્યુઝ તો મસાલેદર હોવા જોઇએ. પણ ખરી રીતે ઉંડા ઉતરતા જણાશે કે આ એક વિકટ સમસ્યા છે અને બીજી અનેક સમસ્યાનુ મૂળ છે. સંવેદનહીન સમાજ ઘડતર તરફ આપણે જઇ ચુક્યા છીએ ત્યારે માત્ર થોથા કાયદાઓથી નહી ચાલે એ તરફ બે કદમ ચાલવાની હિંમત અને સમજણ પણ કેળવવી પડે તેમ છે. સૌપ્રથમ તો વાલી અને શાળા બન્નેનો સારુ પરિણામ લાવવાનો ભાર બાળક પર આવી પડે છે, છતા આ પરિણામ એ મૂળ સમસ્યા નથી. સમસ્યા છે, પ્રેમ અને સમજણનો અભાવ, શિક્ષાત્મક અને શોષણાત્મક વલણ, ખીલવવાને બદલે દબાવવું. આજની ઘણી શાળાઓ પોલિસ ચોકીથી જરાય ઉતરતી નથી અને છાત્રાલયો જેલોથી કમ નથી. તિહાર જેલના મૂળ તો અંહી પડ્યા છે. શિસ્તના નામે બાળપણને પીડાકારી બનાવવામાં કોઇ કસર નથી છોડાતી ભલેને નામ ગમે તેટલા રુપાળા હોય. આજનું બાળક કેમ સમજે કે જીવનમાં યોગ મહત્વનો છે કે તેમા નંબર લાવવો,જરુરીયાતો વધારવી કે ઘટાડવી,સાદાઇ કે ખોટો ભભકો,પીડા દાયક સત્ય કે લોભામણું અસત્ય,નિખાલસતા કે કપટ,પ્રામાણિકતા કે નફો,નિષ્ઠા કે કદમપોશી. આમા બાળક કોઇ સમજણને આરે પંહોચતુ નથી અને પછી જ્યાં સમય અને ભયયુક્ત મન લઇ જાય ત્યાં દોરાતો જાય છે અને એજ ભય સાથે જીવન વીતાવે છે, ઘણા એ ભયનો ફાયદો લે છે એ આપણી વ્યવસ્થા છે. હું પણ આમાનો એક છુ. શાળા થી વધુ પીડા દાયક જગ્યા મેં નથી જોઇ નહિતો મેં પહેલા અલંગમાં મજુરી કરી છે,ફેક્ટરી,દુકાનોમાં કામ કર્યુ છે. મરવાનો ભય મને માત્ર એટલે લાગે છે કે ફરી જન્મ લેવાનું થાય તો ફરી આવા લોકો પાસે ભણવું પડશે, બસ એટલીજ મોક્ષ ની જરુર લાગે છે. મારું બાળક આજ પીડા માંથી પસાર થઇ રહ્યુ છે અને તમારુ પણ. આપણે જાણીએ છીએ પણ આતો સિસ્ટમ છે, કશુ ન થઇ શકે. અણસમજુ મા-બાપ ,શાળા સંચાલકો, આચાર્યો અને શિક્ષકો ના અકડુ વલણો અને ટૂંકો સ્વાર્થ આ સમસ્યાના મૂળ છે. તેમની સિધ્ધીઓ માટે બાળકો શોષાતા રહે છે. આ શોષણ અને હિંસા આપણે કેટલી સુક્ષ્મતાએ જોઇ શકીએ છીએ એ આપણી અનુભવવાની ક્ષમતા અને સમજણ પર આધાર રાખે છે. આ બધુ જો આપણેં બાળકની નજર થી જોતા થશું તો જ આપણે સમસ્યાના હલ સુધી પંહોચશુ અને આવી ક્ષમતા ન હોય તેણે શિક્ષણનું કામ છોડી દેવું જોઇએ, પણ થાય છે એનાથી ઉલટું પરિણામે પરીસ્થિતી એવી સર્જાય છે કે આવ ભાઇ હરખા આપણે બન્ને સરખા. પછીતો આર્થિક, માનસિક,શારિરીક શોષણની પરંપરા સર્જાય છે. જેની જેટલી ત્રેવડ તેટલું તે બેખૌફ લુંટી લે છે. આ બધુ રોજ બને છે સપાટી ની નીચે આપણે જાણીએ છીએ છતા ચૂપ છીએ કારણકે આપણે સામાન્ય,સજ્જન આપણે શાંતી જોઇએ ભાઇ !!!!
‘ખુદાકે વાસ્તે પરદા ન કાબે સે ઉઠા ઝાલિમ,કંહી ઐસા ન હો યાં ભી વહી કાફીર સનમ નીકલે’. –ગાલિબ
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com
ક્યાં જાય આ આગ - કેતન શુક્લ
આજે યુવાનોમાં રહેલી આગને કાઢવાની કોઇ દિશા નથી. ક્યાં મર્દાનગી કે કૌવત બતાવવું એજ સમજાતું નથી. માટેજ તો સીગારેટ ફુંકી,બાઇકિંગ કરી કે નાના મોટા છમકલાઓ કરી સંતોષ માને છે પણ તેનાથી કંઇ વળતું નથી. મને તો આ ત્રાસવાદી છોકરાઓના dedication અને determination માટે માન થઇ જાય છે. સાચા ખોટાને બાજુ પર રાખીએ તો ક્યાં છે આપણાંમા આવી સમર્પણ ભાવના કે કોઇ કામ,વિચાર,હેતુ માટે આપણેં ફના થઇ શકીએ. એ યુવાનો પણ આ જ દિશાહીનતાનો ભોગ બને છે અને ખોટા લોકો તેની શક્તિનો દૂરઉપયોગ કરે છે કારણકે સારા લોકો એ આગને દિશાભાન નથી કરાવી શકતાં. બાકી એ યુવનોએ એટલુંતો કર્યુ કે પોતાની માન્યતા કે ઇચ્છા પ્રમાણેં જીવી કે મરી ગયા. શું આપણેં આપણીં માન્યતા પ્રામાણેં જીવી શકીએ છીએ? ઓફિસે બોસ અને ઘરે પત્નિ વચ્ચે આપણેં ટેનિસ બોલથી વધારે કશું નથી જણાંતા.
બાળપણથીજ મા-બાપ બાળક પર બેસી જાય અને પછી શિક્ષકો અને તેમની નઠારી શિસ્ત અને પછી શિક્ષાઓ પછી ક્યાં જાય આ આગ ? મનને નથી ઉગવાનો અવકાશ મળતો, નથી સમજવાનો સમય,નથી તરંગોને કેનવાસ પર ઉતારવાની તક કે ન તો બહદૂરી બતાવવાની રીત પછી એ આગ ઓલવાઇ જાય અને યા તો બંડ પોકારે તો તેમાં તેનો શું વાંક? છતા આપણે વાંક તો તેમનો જ કાઢીએ કારણકે આપણે તો ડાહ્યા સવારે ઓફિસ અને સાંજે સમાજ બધાને સાંચવીએ જાણેકે આપણેં એ માટે જ સરજાયા હોઇએ અને બાકી અખબાર, ટીવી,ગપ્પા,પાર્ટી, સાથે ઓળખાણોં એટલે આપણેં. દસ,વિશ કે પચાસ વર્ષ પાછળ જઇને વિચારીએ તો શું આપણે આપણું જીવન આવુંજ કલ્પ્યું હતુ ? અને આ પ્રશ્નનો જવાબ ના જ હોવો જોઇએ, જો આપણે ખરેખર વિચારશીલ હોઇએ તો ! કરણકે વિચારો કરતાં આપણેં હંમેશા પાછળ રહી જઇએ છીએ.
આ આગને દિશાની જરુર છે, બંધન અને રુંધનની નહી. ખુલ્લી હવાની જરુર છે,સોનાના પિંજરાની નહી. અદભુત તાકાત છે આ મુક્તતામાં ને એમાં જ ખરું સર્જન થાય છે. મારા કામોમાં મે માત્ર આટ્લુંજ કર્યુ છે અને ઉત્તમ સર્જન અને જબરજસ્ત આનંદ મળ્યો છે. સજ્જનોની નિષ્ક્રિયતા અથવા ભીરુતાને કારણે જ દુર્જનો ફાવ્યા છે એટ્લેજ આવતી પેઢીનો સજ્જન ભીરું તો નહિ જ જોઇએ, એટ્લે જે કરવું પડે તે કરવું, આવી મારી સમજણ વકરી છે. આવી સ્થિતિનું સર્જન આપણે કર્યુ છે કે જ્યાં માથું મુકવા કરતા કોઇ પણ સ્થિતિને સ્વીકારવાનું પસંદ છે. ક્યાં છે ખુમારી ? સ્વમાન ખાતર કે બીજાને ખાતર પ્રાણ અર્પી દેવાની તાકાત. આપણાં આત્મા સુધી ગુલામી પ્રસરી ચુકી છે. આ બહુ સુક્ષ્મ પણ વ્યાપક વાત છે. રાજાઓ બદલાતાં રહે છે પણ ગુલામ માનસ ગુલામ જ રહે છે. જયાં સુધી આ માનસમાં રહેલી ગુલામીને નહી ખેંચી કાઢીએ ત્યાં સુધી આપણે સાચી મુક્તિ નહી પામી શકીએ અને તે માટે જરુર છે એવા બહાદુર મનની અને એ મનને જરુર છે મુક્તિની. જો આપણે તેમના ઉપરથી માત્ર ખસી જઇ શકીશું તો બહુ મોટો ઉપકાર થશે બીજુંબધુ તેમના પર છોડીએ, આપણે ઘણું કરી લીધું છે.
ખોલો ખોલો દરવાઝે, પરદે કરો કીનારે, ખુંટેસે બંધી હૈ હવા મીલકે છુડાઓ સારે ,આજાઓ પતંગ લેકે અપનેહી રંગ લેકે આસમાંકા શામ્એઆના હૈ હમે સજાના, ક્યું ઇસ કદર હેરાન તું, મૌસમકા હૈ મહેમાન તું , દુનિયા સજી તેરે લીયે ,ખુદકો ઝરા પહેચાન તું.
તું ધુપ હૈ જમસે બીખર, તું હૈ નદી ઓ બેખબર, બહે ચલ કંહી, ઉડ ચલ કંહી, દિલ ખુશ જંહા, તેરી તો મંઝિલ હૈ વંહી’ –તારે ઝંમી પર
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com
ઓપન લાઇબ્રેરી અને વિદ્યાર્થી સહકારી પ્રવૃત્તિ અંગે વિદ્યાર્થીઓના પ્રતિભાવો
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com
ઓપન લાઇબ્રેરી 24 કલાક ખુલ્લી રહે છે. તેમાંથી પુસ્તક ચોરાતા નથી અને ચોરાયતો પાછા આવી જાય છે. સૌ ઓપન લાઇબ્રેરીને ખુબ પ્રેમ કરે છે. ચીત્ર દોરીને મુકવાની પણ મજા આવે છે. - દશરથ ,મહેશ ,રાજેશ
શરુઆતમાં હું વાંચવા આવતો નહતો પણ જુલેવર્નની સહસિકોનીસ્રુષ્ટી વાંચી. ત્યારથી વાંચવાની મજા આવવા લાગી પછીતો ખુબ વાંચ્યુ. હવે આ લાઇબ્રેરીને એક સરસ છાપરુ હોય તેવી ઇચ્છા છે.
- રોજાસરા નિલેશ ધો- 8
અમે જ્યારે ઓપન લાઇબ્રેરીમા આવ્યા ત્યારે અમને ખુબ સામાન્ય લાગ્યુ કે અહીં શું વાંચવુ ? ત્યારબાદ અમે ધીરે ધીરે વાર્તાની ચોપડી વાંચવા માંડ્યા તેમા અમને રસ આવ્યો ત્યારબાદ અમે પુસ્તકો બદલવતા ગયા અને વાંચતા ગયા.
- વાઘેલા જગદિશ ધો-8
મેં મારી ઉમરમાં ક્યરેય પુસ્તકો જોયા ન હોય તેવા પુસ્તકો મેં ઓપન લાઇબ્રેરીમા વાંચ્યા પણ છે. તેથી હું ખુબ આનંદ અનુભવુછુ. શિવાજીના પુસ્તકના વાંચન પછી મરામાં બાહદુરી આવી. આવી
- એ. એમ.
આપણેજે વાળ કાપવાનું શરું કર્યુ છે તેમાં મને ખુબ જ આનંદ આવે છે અને પૈસાની પણ બચત થાય છે. રામાયણ અને મહભારતની તમામ માહિતિ મને ઓપન લાઇબ્રેરીમાંથી મળી છે. ઘોડકિયા વિજય
લાઇબ્રેરીતો ઘણી હોય છે પણ ઓપનલાઇબ્રેરી નથી હોતી. અહિંતો બળકો પર વિશ્વાસ મુકવમાં અવે છે. માટે આ ખુબ ઉપયોગી અને મહત્વનુ કામ થઇ રહ્યુ છે.
- ખટાણા અજય ધો- ગાર્ડી છાત્રાલય પાછળ વૃક્ષોમાંથી પવન આવતો હોય અને અમે આનંદપુર્વક વાંચતા હોઇએ.
- સોલંકી જેમિશ ધો- 8
કેતનભાઇ તમે બહુ સારુ કામ કર્યુ . તમે બધાને બહુ સારા લાગો છો . તમે અસ્સલ સારા પિતા જેવ સાદા છો. તમને અમે કદી ભુલી શકીશુ નહિ.
- ઘનશ્યામ
એકવાર હું અંહીથી પસાર થયો ત્યારે વધારે મિત્રોને જોઇને મેં પણ વાંચવાનું વિચાર્યું અને વાંચવાથી મને ઘણો બોધ મળ્યો.
-મેટાળીયા અશ્વિન ધો-9
મેં બાળવાર્તાના ઘણા પુસ્તકો વાંચ્યા. પછી મેં દિપનિર્વાણ વાંચ્યુ. હું એમ કહુ છુ કે હજી વધારે પુસ્તકો મુકવામાં આવે.
- મેર મહેશ ધો- 8
વિદ્યાર્થીઓ મુક્તરીતે વાંચન કરી શકે છે,અને ઓપન લાઇબ્રેરી હોવાથી વિદ્યાર્થીની ચોરવાની વ્રુત્તિથી દુર રહે છે,આ ઉપરાંત આ કાર્યથી વિદ્યાર્થીનો માનસિક વિકાસ થાય છે.આ લાઇબ્રેરી હજી વિકસે તેવિ શુભેચ્છા. - ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
સુરેશ,અણઘણ સંદિપ્,ગોહેલ મુન્ના

અમને તો આ ઓપન લાઇબ્રેરીમાં સારા પુસ્તકો વાંચવાની તક મળી છે.
-બરૈયા જવેર , ડાભી હિંમત
ઓપન લાઇબ્રેરી વિદ્યાર્થીઓને ફક્ત જિવનલક્ષી શિક્ષણ જ આપતી નથી પણ અત્મલક્ષી કેળવણી અને જિવનમાં આવનારા સંઘર્ષો અને મુશ્કેલીઓનો સમનો કેવીરીતે કરવો તે પણ શીખવે છે. - ગુમનામ ધો- 12
મેં ગુલીવરની યાત્રા નામનું પુસ્તક વાંચ્યુ આમા વ્હેંતિયાઓનું પુસ્તક વાંચ્યા પછી મને ઓપન લાઇબ્રેરી બહુ ગમી ગઇ. - મેર એમ. આર.
આ ઓપનલાઇબ્રેરીની વાત સાવ અશક્ય લાગેલી પણ કેતનભાઇ તમેજે હિંમત દાખવી એ ખરેખર ખુબજ ગમી.
-ભરત
ઓપન લાઇબ્રેરીમાં મને ફ્લુટ વગાડતા આવડી ગઇ છે. મને ધોરણ 7 માં વાંચતા આવડતુ ન હતુ પણ ઓપન લાઇબ્રેરીની મુલાકાતથી વાંચતા પણ આવડી ગયુ છે. ભોજન સમયે જમવા જવાનું પણ મન થતુ નથી અને હું તેની મુલાકત જરુર લઉં છું. – ગળીયા વિજય –ધો- 8 સુતરકમ કરવા તમે રેટિંયા મુક્યા અને તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓને રેટિંયો ચલાવતા આવડી ગયૂ અને કેતનભાઇ તમે અમને સ્કેટીંગ કરતા શિખવાડ્યુ તે બદલ તમારો આભાર માનુ છુ.
-ગોંડલિયા કૌશિક-ધોરણ-8
કેતનભાઇ હંમેશા વિદ્યાર્થી પોતાના જીવનમાં કંઇક પ્રાપ્ત કરે અને નવા વિચારો લાવે તેવા પ્રયત્નો કરે છે.અંહી માત્ર ઇતર વાંચનના જ નહીં પણ શૈક્ષણિક , પેપર સોલ્યુશન વિગેરે પણ છે. - સોલંકી સંજય ધો- 11
આપણે વાળ કાપવાનું શરું કર્યું અને હવે તો વિદ્યર્થીઓ એકબીજાના વાળ કાપવા લાગ્યા છે અને ઘણાં રુપિયા બચાવી શકાય છે. અમનેતો એમ થાય છે કે હજીતો ઓપન લાઇબ્રેરીમાં વિચાર્યા બહારનો વિકાસ થાય.
-મેર એમ . આર. ધો-8
આપણાં રોજીંદા જીવનમાં ભણવાસીવાયના પુસ્તકોનું વાંચન કરવું તે અત્યારના યુગમાં ખુબ મહત્વનું છે. ભણવાનો કંટાળો આવે ત્યારે અમને ઓપન લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવાની મજા પડે છે. - કે. એમ.
પુસ્તક એટલે માનવીનો મિત્ર છે.પુસ્તક એક જીવતો જાગતો દેવ છે.પુસ્તક એ જ્ઞાનનો ભંડાર છે. આવા પુસ્તકોનું વિવેચન ઓપન લાઇબ્રેરી કરે છે. વિદ્યાર્થીના આધૂનિક વિકાસ માટે એક કોમ્પ્યુટર હોય તો સારું રહે. - ચૌહાણ અશ્વિન ધો-11
પુસ્તકો આપણાં મનને હળવું બનાવે છે. પુસ્તકોના વાંચનથી આપણાં ખરાબ વિચારો દુર થાય છે અને સારા વિચાર તરફ લઇ જાય છે. અંહીના ઘણાં વિદ્યાર્થીઓ રેંટીયો પણ શીખી ગયા છે. પેન બનાવવાના મશીન દ્વારા ઘણાં વિદ્યાર્થીઓ પેન બનાવવા અને શીખવા જોડાયા હતા. પેન બનાવ્યા બાદ હાથે બનાવેલી પેનનો ઉપયોગ કરતા હતા. - બારૈયા અમરશી ધો-11 ઘરનું સીવવાનું મશીન બહાર મૂકી વિદ્યાર્થીઓએ જાતે પોતાના ફાટેલાં કપડાં સાંધ્યા જે દ્વારા પણ પૈસાની બચત થઇ.
- ચૌહાણ દિનેશ ધો -10
સારા પુસ્તકો દ્વારા અમારી જેવા વિદ્યાર્થીઓમાં સાહસિક્તા આવે છે. વાળ કાપવાનું શરુ કર્યું તેનો મને ખુબ આનંદ છે. - આર. પી. જી.
આદરણીય કેતનભાઇ તમારી વિચારણા, શોખ,જ્ઞાન,કલા પ્રેમ,સહિષ્ણુતા,સાહસભર્યા કર્યો, વિશે શું લખવું ઘટે. આભાર
-An English student.
અમે ઓપન લાઇબ્રેરી સાથે પ્રેમના તાંતણે બંધાયેલા છીએ. કાયમમાટે આ ઓપન લાઇબ્રેરી જીવંત રહે તો મને ખૂબ આનંદ થશે કારણકે એ જીવંત સ્વરુપે આપણને નવા નવા વિચારો આપે છે.
– ખટાણા માંડણ ધો- 11
કેતનભાઇએ અમને ‘પહાડી શાળાના પડઘા’ ના નિબંધો સંભળાવ્યા જેથી અમારામાં એક નવો આત્મવિશ્વાસ જાગ્યો.અભ્યાસ અંગે ખૂબ રુચી વિકસી અને એક નવી જ દૂનિયામાં જીવીએ છીએ તેવો અનુભવ થયો. આવા શિક્ષકો જીવનના પ્રેરણા સ્ત્રોત બની રહે છે.
- એક વિદ્યાર્થી ધો- 12
કલાની કદર કરવામાં આવે તોજ એ કલા સારી એવું નથી પણ અપણી અને વિદ્યાર્થીની જીંદગીમાં તેજરુપી કિરણ પથરે તે સાચી કલા.Every different must make a difference.
- અજય ગોહેલ ધો- 12
તમે અમને વાળ કાપતા શિખવો છો તેનો અમને ખૂબ આનંદ છે. - લુંભાણી અશોક,બરોલિયા જનક,શિરોળીયા ભાવેશ ધો-8

સોનલ ફાઉન્ડેશન માંથી આવેલા પુસ્તકો મને ખુબજ ગમ્યા તેમાંથી મને સિંદબાદની સાત સફર તે વર્તા ખુબજ ગમી
-ૐ ,દશરથઅનેધ્રુવ
કેળવણી એક પ્રક્રિયા, નહી કે પરિણામ. સોક્રેટીસે એપોલોડોરસ અને ક્રિશ્યસ બન્નેને એક સરખો પ્રેમ આપ્યો છતા બન્નેએ એક બીજાથી વિપરીત કાર્યો કર્યા. પરીણામે સોક્રેટિસને ઝેર પીવાનો વારો આવ્યો પણ પ્રક્રીયા તો સોટચનું સોનું હતી. સોક્રેટિસથી ઉત્તમ શિક્ષક મે બીજો કોઇ નથી અનુભવ્યો. પણ આપણેં કોઇ પણ ભોગે કોઇ પણ રીતે કહેવાતું સારુ પરીણામ જોઇએ. એવું પણ બને કે ચોરી કરતાં ન આવડતું હોય તેવી શાળાનું પરિણામ ઓછુ આવી શકે પણ તેના પ્રામાણિકતામાં 100માંથી 100 ગુણ હોઇ શકે. પણ પ્રામાણિકતાના કોઇ ગુણ હોતા નથી તો ક્યાંથી પ્રેરણાં મળે ? ગાંધી જેવા ગાંધીનેપણ આપણે બીજામાંથી જોઇ નકલ કરવાનું શીખવવા પ્રયાસ કર્યો છે. કદાચ સદી ન પણ મારી શકાય પણ કેવી રીતે રમ્યા તે મહત્વનુ છે. આ દીલથી કરેલો પ્રયાસ એજ સાચી કેળવણી. બાકી મૂલ્યાંકન કરવાં વાળા આપણેં કોણ છીએ? ક્યારે કોણ ગાંધી બની જશે,કોણ લીંકન થઇ જશે એ કોઇ થોડું કહી શકવાનું છે. અગણીત શક્યતાઓ સમાયેલી છે. આપણે આ પ્રક્રિયામાં માત્ર સહાયક કે ઉદ્દિપક બનવાનું હોય છે બાકી શક્તિ તો તેઓ પોતેજ લઇને આવ્યા છે,પરીણાંમ તો તેની પોતની પાસેજ હોય છે અને ન્યાય તો સમય કરે છે. વિન્સેંટ વાન ગોગ કે ગાલીબ જેવા સંવેદંશીલ મહાન સર્જકો જીવનમાં નિષ્ફળ ગયા એમાં સમાજની નબળાઇ છે. આજે તેનો આપણને અફસોસ છે. ગાંધીને મેગસેસે ન મળ્યો તેમા ગાંધીનું નહી પણ મેગસેસેનું અપમાન છે. આપણેં આવું તો અનેક ચૂકી ગયા છીએ અને છતાં ચૂકતાએ જઇએ છીએ કારણકે સમાજને તો ક્યારેક એકાદ બે સદી પછી સમજાય છે. આવી મહાન હસ્તીઓને ખૂબ ભારે અન્યાય થઇ જાય છે જ્યારે બે કોડીની કિંમત વાળાની વાહવાહ થઇ જાય છે. ઘણાં પરીણામો છેતરામણાં હોય છે. રાવણની લંકા ખુબજ સુંદર હતી પણ તે કેળવણીનું પ્રમાણ ન થઇ શકે. કેળવણી એ રીતનું નામ છે. તાજમહેલ સુંદરતાનું પ્રતિક થઇ શકે પણ કેળવણીનું નહી. શાળાઓની ભૌતિકતાનું કોઇજ મૂલ્ય નથી પણ તેની ખરી રીત મહત્વની છે. પણ અપણેં આ માયાવી રચનાના ભોગ બની ગયા છે એ. મેં સાંભળ્યુ છે કે શ્રી વિનોબા આશ્રમ પવનારને નવા મકાનો માટે સરકારે નાણાં આપ્યા પણ તેમણેં એ પરત કર્યા અને એના એજ સાદા ગાર માટીના મકાનોમાં રહેવાનું અને તેમને સંભાળવાનું પસંદ કર્યું. મારો અહોભાવ હતો તેના કરતા અનેક ગણોં થઇ ગયો.
કામ કરતાં પહેલા આપણને પરીણામની ચીંતા થાય છે. છોકરાઓ નાપાસ થતા નાસીપાસ થાય છે. આપણેં પુરેપુરા result oriented થઇ ચુક્યા છીએ. આજના આ સમયમાં નૈતિકતાના પાઠનું શું પરીણામ આવે તે આપણેં જાણીએ છીએ અને એટલેજ અનૈતિકતાનો માહોલ જામ્યો છે. પણ એ બધુજ તકલાદી અને જીવનને નષ્ટ કરનારુ છે. સત્ય અચલ છે આ ભવમાં નહી તો ફરી ક્યારેક અંહી આવ્યા સીવાય આપણોં છુટ્કારો નથી.
CONFESSION BOX

-કેતન શુક્લ


વાંચતા,જોતા,અનુભવતા ખ્રિસ્તી ધર્મ અને તેના પાદરીની એક આદર્શ છાપ મન પર છે. તેઓની સહીષ્ણુતા,સેવા,ધેર્ય,અને સાધના જેવી અનેક બબતો સ્પર્શી ગયેલી છે. તેમાની એક વાત ગમેલી તે ક્ન્ફેશન બોક્ષ છે. કોઇની એ એકબીજા પરની જબરજસ્તીની વાતજ મૂળે ખોટી છે અને છતા સ્વછંદતા પર પોતાનીજ સમજણનો અંકૂશ મુકાય તે પણ જરુરી છે. આવી સમજણ સથેનો સમાજ ઘડવાનું કામ શાળાઓ અને શિક્ષકોનું છે. મોટાભાગની શાળાઓ પોતાની વ્યવસ્થાને કોઇ પણ ભોગે ટકાવી રાખવામાં મચી પડેલી છે. પહેલી વાત એ છે કે શિક્ષણ એ કોઇ ધંધો નથી અને હોય તો તે ખોટનો ધંધો છે. માટે આખી દિશા બદલવાની થાય છે. શિક્ષણના વ્યવસાયીકરણને કારણે માણસ આખ્ખેઆખો વ્યાપારી બનતો જાય છે. બીજને વાવીને ઉપર પથ્થર મુકી દેતાં તેની અંકુરીત થવાની શક્યતા નહીવત બની જાય છે. બહુ ઓછા બીજમાં એ પથ્થરોને ઉથલાવી કે તોડી બહાર આવવાની તાકાત હોય છે. ઠોકી બેસાડેલી શિસ્ત જીવનને ભારરુપ બનાવે છે. એટલે કોઇ શાળા શિસ્તની બહુ વાતો કરે ત્યારે એ શિસ્તની રીત કે પધ્ધતી જરુર જાણવી. સ્વયંશિસ્તને ઉગવાનો અવકાશ જોઇએ છે. કોઇ યંત્રને પણ કામ કરવા થોડો અવકાશ જોઇએ છે ત્યારે આપણેં તો માણસ કહેવાઇએ. આવો એક નાંનકડો સ્વયંશિસ્ત માટેનો અવકાશ ઉભો કર્યો.. ગઇ ગાંધી જયંતિના રોજ કન્ફેશન બોક્સ નામે એક પેટી મુકી અને છોકરાઓને સમજાવ્યુ કે તેમાં થયેલી ભુલોનો ભાર લખી ઉતારી નાખી હળવા થઇ જવું. આમ આવી સ્વેછાએ સ્વીકારાયેલી ભુલો આપોઆપ ફરી નહિ થાય. સાથે લખયેલી વાતોની ગુપ્તતાની ખાત્રી પણ આપી નહી તો ઘણી વાર ભાર ઘટવાને બદલે વધી જાય. શરુઆત મારા દસ વર્ષના દિકરા ઓમે કરી તેના શબ્દો હતા ‘આજે મેં મારી મમ્મી સાથે ખરાબ વર્તન કર્યુ છે તેની હું માફી માંગુ છું.’

સબકી પૂજા એક સી અલગ અલગ હર રીત , મસ્જીદ જાયે મૌલવી કોયલ ગાયે ગીત.
છોટા કર કે દેખીએ જીવનકા વિસ્તાર , આંખોભર આકાશ હૈ બાંહોભર સંસાર.
-નીદા ફાઝલી
મોચી કામ - એક રસનો વિષય કેતન શુક્લ પંદરસો છોકરા-છોકરીઓના ત્રણ હજાર નંગ ચપ્પલો માંથી કેટલી બધી તુટફુટ થાય અને પ્લાસ્ટિક-રબ્બર યુગના ચપ્પલ એક વાર તુટે એટલે તુટતા જ ચાલે. આમ તો જરુરીયાત એજ અમારા કામોની મા છે. તુટી રહેલા ચપ્પલને જો થોડો આધાર મળી જાય તો તે ટકી જાય. આમતો નાનપણમાં તુટેલા ચ્પ્પલની આત્મકથા લખેલી કદાચ એ પણ કામ આવી હોય. વિદ્યાર્થી સહકારી પ્રવૃત્તિમાં ચપ્પલ સાંધવાના અને બનાવવાનો સરસામાન લઇ આવ્યા અને કામ શરું કર્યું. આ વિદ્યાર્થી સહકારી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ પોતાની નોટોના કાગળ-ઘન કચરો એકઠો કરે તેમાંથી ચાલે છે. જસદણમાં એક મોચી ટાયરના પટ્ટામાંથી ચપ્પલ બનાવે એ ગઇ કર્મયોગી તાલીમ વખતે સાંજના મુક્ત સમયમાં શીખેલો સાથે નમૂના પણ લેતો આવેલો. ચપ્પલ સાંધવાનું કામ તો પુરજોશમાં ચાલ્યુ. કેટલાક લોકો ચીંતા પણ કરે કે ક્યાંક મોચી ન થઇ જતા, પણ ભાઇ જેનું ચપ્પલ તુટેલું હોય અને મૂશ્કેલીથી ચાલવું પડતુ હોય તેને ચપ્પલ સાંધવામાં શાનો ડર કે શરમ ? આમ વિદ્યાર્થીઓએ વાતને બહુ સરસરીતે લીધી અને આ કામ તેમના ખુબ ઉપયોગમાં આવ્યુ. ચપ્પલ બનાવા માટે બે વિદ્યાર્થીઓ સ્વેછાએ રસપુર્વક તૈયાર થયા અને તેમણેં નમૂના મુજબ સરસ મજાના વિવિધ ચપ્પલો બનાવ્યા. ચપ્પલ બનાવવાનું કામ તો પ્રાયોગિક રીતે શરુ થયુ છે અમારી ઇચ્છા જરુરીયાત વાળા છોકરાઓને વગર પૈસે ચપ્પલ મળી રહે તેવી છે. જેમ વાળ કપાવવાનો ખર્ચ કાઢી શક્યા છીએ તેમ ચપ્પલનો ખર્ચ પણ દુર કરવો છે. સાથે મજાની વાત તો એ છે કે જે બે વિદ્યાર્થી ચપ્પલ બનાવવા તૈયાર થયા તે શિક્ષણમાં નબળા, કારણકે તેમને ક્યાંય રસ ન લાગે પણ આ કામમાં તેમને એટલો રસ પડી ગયો કે રીસેસમાં આવીને પણ જાતે કામ કરવા લાગે. ક્યાંય રસ નહોતો પડતો તેને બદલે આટલુતો થયુ અને આ જ રસને શિક્ષણ સુધી લઇ જવનો છે.
આ રસ એ જીવનનો મૂળ આધાર છે અને આજે આપણેં એને જ ગુમવતા જઇએ છીએ એટલે જ ખાધા પછી પચતું નથી કારણકે આપણે આપણાં સ્વ થી દૂર હોઇએ છીએ. નાહકની વસ્તુઓ કે વ્યક્તિઓ થી જાતને ભરવાનો પ્રયાસ કર્યા કરીએ પણ વ્યર્થ જાય છે. સમજણ વગરની પૈસા પાછળની દોટ આપણી પાસે થી બહુ મૂલ્યવાન સ્વ ને કયાંએ પાછળ છોડાવી દે છે. આપણેં ક્યાં આપણેં છીએ. દિવસ ઉગે છે આથમે છે, નિરસતા કે માત્ર સ્વાર્થ આપણને ઘેરીને ઉભારહે છે. જાતનો ભાર વધતો જાય છે, ખાલી થવાનું તો અપણેં શીખ્યા નથી. ગુમાવવાના ભયમાં ને ભયમાં આપણેં આપણું સર્વસ્વ લુંટાવતા જઇએ છીએ. અને એક દિવસ અચાનક જ જવાનો સમય આવી જાય છે અને કોઇ મરી જાય છે તે આપણેં નથી હોતા. આવુજ કંઇક નાન પણ થી બનતું જોવાય છે. બાળકો ગરીબી, ભણતર,કામ અને માબાપની ઇચ્છાઓના ભાર નીચે ચપ્પટ થઇ ગયા છે. બાળપણ તો ક્યાંએ પાછળ છુટી જાય છે અને પછી જીવનને ખેંચીને લાંબુ કર્યે જવાનું હોય છે અને એ પણ ગોળ ગોળ ઘાંચીના બળદની જેમ વર્ષો પછી પણ ત્યાંને ત્યાંજ. માટે મંદ પડી રહેલા રસ ને આહુતીની જરુર છે, શુષ્કતાને રંગો ની જરુર છે આ માટે જોઇએ થોડો અવકાશ બસ....
દુષ્યંત કુમારની આ પંક્તિ ગમી ગઇ છે.
ધીરે ધીરે ભીગ રહી હૈ સારી ઇંટ પાની મેં, ઇનકો ક્યા માલૂમ કી આગે ચલકર ઇનકા કયા હોગા ?
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com Blog- grassrooteducation.blogspot.com